આઠ સપ્તાહમાં તમામ કૂતરાઓને પકડી શેલ્ટરમાં રાખવા સૂચના, પરત સડક પર નહીં છોડાય
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વધતી રખડતા કૂતરાઓની સમસ્યાને લઈને સુપ્રીમ કોર્ટે તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટએ સ્પષ્ટ જણાવ્યું છે કે આઠ સપ્તાહની અંદર શહેરના તમામ રખડતા કૂતરાઓને પકડીને ડોગ શેલ્ટરમાં રાખવામાં આવે અને તેમને ફરી સડક પર છોડવામાં ન આવે.
કૂતરા કરડવાની ઘટનાઓ પર ચિંતા
તાજેતરમાં રોહિણી વિસ્તારમાં રખડતા કૂતરાના હુમલાથી 6 વર્ષની બાળકીના મોતની ઘટના પછી સુપ્રીમ કોર્ટે સુઓ મોટો કેસ દાખલ કર્યો હતો. જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે જણાવ્યું કે નવજાત અને નાના બાળકો કોઈપણ પરિસ્થિતિમાં રખડતા કૂતરાના શિકાર ન બને, તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.
શેલ્ટર અને ટીકાકરણની વ્યવસ્થા
કોર્ટએ દિલ્હી સરકાર, એમસીડી અને એનડીએમસીને કૂતરાઓ માટે પૂરતી શેલ્ટર સુવિધા ઊભી કરવાની અને ટીકાકરણ માટે પૂરતો સ્ટાફ ઉપલબ્ધ રાખવાનો આદેશ આપ્યો છે. સાથે જ, એક સપ્તાહની અંદર હેલ્પલાઇન શરૂ કરવાની સૂચના પણ આપવામાં આવી છે જેથી કૂતરા કરડવાના કેસોની તાત્કાલિક જાણ થઈ શકે.
જાહેર સુરક્ષાને પ્રાથમિકતા
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે રખડતા કૂતરાઓને કોલોની, સડકો અને જાહેર સ્થળો પર ફરી મૂકવા નહિ. આ પગલાં વ્યાપક જનહિત અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે.