અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે બલુચિસ્તાન લિબરેશન આર્મી અને તેની મજીદ બ્રિગેડને આતંકી સંગઠન જાહેર કર્યું. પાકિસ્તાન અને CPEC સુરક્ષા માટે મોટો ફાયદો.
વોશિંગ્ટન/ઇસ્લામાબાદ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિમ મુનીરની વિનંતી સ્વીકારીને એક મોટો નિર્ણય લીધો છે. અમેરિકાના વિદેશ વિભાગે બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અને તેની આત્મઘાતી યુનિટ મજીદ બ્રિગેડને સત્તાવાર રીતે વિદેશી આતંકવાદી સંગઠન (FTO) જાહેર કર્યું છે. આ નિર્ણયથી પાકિસ્તાનને બલુચ વિદ્રોહી સંગઠનો સામે આંતરરાષ્ટ્રીય સ્તરે લડવામાં મજબૂત આધાર મળશે.
વૈશ્વિક નેટવર્ક પર સીધી અસર
BLAને આતંકી જાહેર કરાતા હવે તેને વિશ્વભરમાંથી મળતા ફંડ, હથિયારો અને અન્ય ટેક્નિકલ સહાય પર સીધી અટક આવશે. અમેરિકી કાયદા અનુસાર, કોઈપણ વ્યક્તિ કે સંસ્થા જો હવે BLAને આર્થિક અથવા લોજિસ્ટિક સપોર્ટ કરશે, તો તેના સામે કડક કાયદેસર કાર્યવાહી થશે. આ પગલું પાકિસ્તાન માટે સુરક્ષા દ્રષ્ટિએ એક મોટી જીત માનવામાં આવે છે.
BLAના આતંકી હુમલાઓનો ઉલ્લેખ
અમેરિકાના સત્તાવાર પત્રમાં BLAના અનેક હુમલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 2024માં કરાચી એરપોર્ટ અને ગ્વાદર પોર્ટ ઓથોરિટી નજીક આત્મઘાતી હુમલાઓ તથા 2025માં ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનના હાઇજેકિંગમાં BLAની સંડોવણીનો ઉલ્લેખ છે. આ હાઇજેકિંગમાં 31થી વધુ લોકોના મોત થયા અને 300થી વધુ મુસાફરોને બંધક બનાવવામાં આવ્યા હતા.
ચીન માટે પણ મોટી રાહત
BLA ગ્વાદર પોર્ટ અને ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) માટે સૌથી મોટો ખતરો ગણાય છે. તેથી, અમેરિકાનો આ નિર્ણય ચીન માટે પણ એક પ્રકારની રાહત છે. ગ્વાદરમાં ચીની નાગરિકો અને CPEC પ્રોજેક્ટ્સ પર થયેલા હુમલાઓએ બંને દેશોની સુરક્ષા વ્યવસ્થાને પડકાર્યો હતો.
BLAનો ઉદ્દેશ્ય અને વિવાદ
BLA પોતાને બલુચ રાષ્ટ્રવાદી સંગઠન ગણાવે છે અને પાકિસ્તાનથી અલગ થઈને સ્વતંત્ર બલુચિસ્તાન રાષ્ટ્ર સ્થાપવાનું લક્ષ્ય ધરાવે છે. સંગઠનનું માનવું છે કે પાકિસ્તાન બલુચિસ્તાનના કુદરતી સંસાધનોનો શોષણ કરે છે અને સ્થાનિક લોકોને અવગણના કરે છે. આ અન્યાય સામે સશસ્ત્ર લડત BLAનું મુખ્ય હથિયાર છે.
સુરક્ષા પરિસ્થિતિ પર અસર
નિષ્ણાતોના મતે, આ પગલાથી પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે સુરક્ષા સહયોગ મજબૂત બનશે. જોકે, કેટલાક માનતા છે કે દબાણ વધતાં BLA પોતાની હિંસક પ્રવૃત્તિઓ વધુ તીવ્ર બનાવી શકે છે.